મુન્દ્રા તાલકાના ભદ્રેશ્વર ગામે બુધવારની સવાર ગોઝારી બની આવી હતી અને સાંજ હૈયું કકળાવનારી બની હતી. બેકારીના ખપ્પરમાં હોમાયેલા એક યુવાને વહેલી સવારે જિંદગીની કડવી વાસ્તવિકતાથી હતાશ થઈ પત્નીની સાડી વડે ફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધંુ હતું. તો તેના જિગરજાન મિત્રે રસ્સી વડે પોતાની જાત લટકાવી દઈ માત્ર ૭ કલાકમાં જ તેની પાછળ અનંતની વાટે સિધાવી દોસ્તને ત્યાં પણ સાથ આપવા પહોંચી ગયો હતો.
નાના એવા ગામમાં એક સાથે બબ્બે યુવાનોએ જિંદગીનો અંત આણી લેતાં હાહાકાર મચી ગયો હતો. માત્ર સાત કલાકના ગાળામાં જ બનેલી આ ઘટનાઓએ રીતસર ગામને હચમચાવી મુક્યું હતું અને જ્યારે તેમની અર્થીઓ ઉઠી ત્યારે લોકો હીબકે ચડયા હતા. બંને મિત્રોની યારી તેમના પરિવાર માટે આઘાત આપીને ગઈ છે.
મિત્રતા એવો સંબંધ છે જેની કોઈ વ્યાખ્યા ન આપી શકાય અને આપવા બેસો તો ગણી ગણાય નહીં તેટલી છે. કહે છે કે, કુદરત જ્યારે કોઈ સારો લોહીનો સંબંધ આપતા ચૂકી જાય ત્યારે મિત્ર નામનો સંબંધ આપે છે. મિત્રતાના આવા અનેક ઉદાહરણો ઈતિહાસ અને કિંવદંતીઓમાંથી મળે છે.
આવો જ એક મિત્રતાનો કિસ્સો કરુણાંતિકા સાથે ભદ્રેશ્વર ગામે બન્યો છે, જેમાં એક મિત્રે આત્મહત્યા કર્યાની ગણતરીની કલાકોમાં બીજા મિત્રે પણ આત્મહત્યા કરી લીધી હતી અને મિત્રની પાછળ પાછળ જતાં પહેલાં તેણે તેના વ્હોટ્સએપ સ્ટેટ્સમાં લખ્યંુ કે , ‘મિસ યુ જિગરા હું ય આવું છું ટેન્શન ન લે’ સાથે રડવાના ઈમોજીસ પણ રાખ્યા હતા. જોકે, કોઈને કલ્પના પણ નહોતી કે આવું ખરેખર થશે.
વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે મહાવીરસિંહ હોશિયારસિંહ જાડેજાએ તેના ઘેર બેડરૃમમાં લોખંડના એંગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ પરિણીત યુવાન તેની પાછળ પત્ની અને એક ત્રણ વર્ષનો પુત્ર તથા દોઢ વર્ષની પુત્રીને વિલાપ કરતો છોડી ગયો છે.
યુવાને કરેલી આત્મહત્યાથી સ્તબ્ધ થયેલા ક્ષત્રિય સમાજના લોકોને હજુ તેના મોતની કળ વળે એ પહેલાં એક એવી ઘટના બની કે આખો સમાજ જ નહીં, પરંતુ ગામ સ્તબ્ધ બની ગયું. મૃતકનો મિત્ર જયદીપસિંહ ભરતસિંહ જાડેજા મિત્રનો વિયોગ સહન કરી શક્યો નહીં કે પછી તેને સાથ આપવાના આપેલા કોલને પાળવા ગણતરીની કલાકોમાં તેણે તેના ઘેર પંખામાં રસ્સી વડે જાતને લટકાવી દીધી હતી.